નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદના બંને સદનને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે. 5 જુલાઈના રોજ મોદી સરકારનું બજેટ રજુ થશે. બજેટ રજુ થતા અગાઉ રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિના રામનાથ કોવિંદના અભિભાષણની મુખ્ય વાતો...


  • આઝાદીના 75માં વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે. દરેક ગરીબ પાસે વીજળી કનેક્શન હશે. દરેક ગરીબની પહોંચમાં મેડિકલ સુવિધાઓ હશે. ગંગાની ધારા નિર્મળ અને અવિરલ હશે. અંતરિક્ષ ટેક્નોલોજીના દમ પર કોઈ દેશવાસી અંતરિક્ષમાં તિરંગો લહેરાવશે. 

  • રાષ્ટ્ર નિર્માતાઓની સ્મૃતિને જાળવી રાખવી એ આપણું કર્તવ્ય છે. બાપૂની યાદમાં દાંડી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. સરદાર પટેલની યાદમાં મોટી પ્રતિમા બનાવવામાં આવી છે. બાબાસાહેબ અને દેશના તમામ પૂર્વ પીએમના યોગદાનને સન્માન આપતા દિલ્હીમાં એક મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. 

  • આજે આખા વિશ્વમાં ભારતની એક નવી ઓળખ બની છે તથા અન્ય દેશોની સાથે આપણા સંબંધો વધુ મજબુત થયા છે. પ્રસન્નતાની વાત છે કે વર્ષ 2022માં ભારત જી-20 શિખર સંમેલનની મેજબાની કરશે. 

  • આજે આતંકવાદના મુદ્દે આખુ વિશ્વ, ભારત સાથે ઊભુ છે. દેશમાં મોટા આતંકી હુમલાઓ માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો તે મોટું પ્રમાણ છે. 

  • મારી સરકાર વિદેશમાં વસેલા તથા ત્યાં કાર્યરત ભારતીયોના હિતોની રક્ષા પ્રત્યે સજાગ છે. આજે વિદેશમાં જો કોઈ ભારતીય સંકટમાં પડે તો તેને તરત મદદ અને રાહત મળવાનો ભરોસો હોય છે. પાસપોર્ટથી લઈને વિઝા સુધીની અનેક સેવાઓને સરળ અને સુલભ બનાવવામાં આવી છે. 

  • વર્ષ 2014માં દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી જ્યારે હવે વધીને 868 થઈ ગઈ છે. વાયુ પ્રદૂષણના પડકારોને જોતા દેશના 102 શહેરોમાં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ શરૂ કરાયો છે. 

  • ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોને ઓછા કરવામાં સૌર ઉર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતના સક્રિય પ્રયત્નોથી ઈન્ટરનેશનલ સોલર અલાયન્સની રચના થઈ. આ સંગઠનના માધ્યમથી દુનિયાના વિકાસશીલ દેશોમાં સૌર ઉર્જાના વિકાસમાં ભારત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. 

  • મારી સરકાર નમામિ ગંગે યોજના હેઠળ ગંગા નદીમાં ઠલવાતા ગંદા નાળાને બંધ કરવાના અબિયામાં ઝડપ લાવશે. સરકારનો પ્રયાસ રહેશે કે ગંગાની જેમ જ કાવેરી, પેરિયાર, નર્મદા, યમુના, મહાનદી, અને ગોદાવરી જેવી અન્ય નદીઓને પણ પ્રદૂષણ મુક્ત કરાય. 

  • આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ધાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. મારી સરકારે અર્ધકુંભના સફળ આયોજનમાં યોગદાન આપનારા દરેક વ્યક્તિને સન્માનિત કરીને તેમનું આત્મગૌરવ વધાર્યું છે. 

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરકારની અંતરિક્ષ ટેક્નોલોજી, ચંદ્રયાન-2 અને ગગનયાનનો ઉલ્લેખ કરીને આવનારા સમયમાં સરકારની મહત્વની યોજનાઓ અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે અંતરિક્ષ ટેક્નોલોજીના કારણે જળ, જમીન અને આકાશમાં ભારતની સુરક્ષા વધી છે. આ ઉપરાંત હવામાનની સટીક આગાહી પણ શક્ય બની છે. 

  • સરકાર હાઈવેની સાથે સાથે રેલવે, એરવે, અને ઈનલેન્ડ વોટર વેના ક્ષેત્રમાં પણ મોટા પાયે કામ કરી રહી છે. ઉડાણ યોજના હેઠળ દેશના નાના શહેરોને એર વે સાથે જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

  • ભારતમાતા પરિયોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં લગભગ 35 હજાર કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ અને અપગ્રેડેશન કરવાનું છે. આ સાથે જ સાગરમાલા પરિયોજના દ્વારા દેશના કાંઠાના વિસ્તારોમાં અને પોર્ટની આસપાસ સારા રસ્તાની જાળ બિછાવવામાં આવી રહી છે. 

  • મારી સરકાર આધુનિક ભારત માટે દેશના ગામડાઓથી લઈને શહેરો સુધી, વિશ્વસ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...